ચૂપ રહેવુંને મૌન રહેવામાં ફરક'તો છે,
સૂતા રહેવુને ઉંઘતા રહેવામાં ફરક'તો છે
ક્યારેક વરસાદ પણ દજાડે કારણ કે,
પલળવુંને ભીંજાતા રહેવામાં ફરક'તો છે,
જે મજા સફરમાં છે તે મંઝિલ પર નથી,
જીવવું ને જીવતાં રહેવામાં ફરક'તો છે,
રાધાને કે મીરાંને પૂછો તો સમજાશે,
પામવું ને ચાહતા રહેવામાં ફરક'તો છે,
જેમ જળ અને ઝાંઝવાંમાં ફરક છે,
આમતેમ ફરવુ ને રખડતા રહેવામાં ફરક'તો છે,
ને હારી ગયા બાદ યુધિષ્ઠિર સમજ્યા,
હારવું ને હારતા રહેવામાં ફરક'તો છે!