વેકેશન જ્યારે પૂર્ણ થવાના આરે છે ત્યારે મુકેશ જોષીની કવિતા 'બા'ના મને ગમતા શબ્દો યાદ આવે છે:
બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે,
બા સાવ એકલાં જીવે!
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે, બા સાવ એકલાં જીવે!