અખો 🙏🏼
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;
અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;
ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.
દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય.
આંધળો સસરો ને સણગટ વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;
કહ્યું કાંઈને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘસ્યું;
ઊંડો કૂવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
અખો.
🙏🏻