ગીત
સદીઓની તરસ હતી ને બાળપણની વય,
શૈશવ અને શમણાં વચ્ચે ન્હોતો કોઈ ભય.
ઘરડો વડલો સાદ કરે ને, પાદરમાં જઈ પૂગું.
આમ્રકુંજમાં કોયલ કૂકે, ટહુકે ટહુકે ખૂલું.
આથમતો સૂરજ પણ બોલે, અંધકારની જય,
શૈશવ અને શમણાં વચ્ચે ન્હોતો કોઈ ભય.
ખેતરમાં તડકો વરસે, ઘરની ડેલીએ ચોમાસું,
આંખ ઝરે તો એવું લાગે, ક્યાંથી આવે આંસુ ?
સમજણ વિના અંગે અંગ વ્યાપી વળે સમય,
શૈશવ અને શમણાં વચ્ચે ન્હોતો કોઈ ભય.
દાદાને મન ચરકડી, દાદીને મન હું લીલું પાન,
પાંચીકા જ્યાં ઊછળે, ભૂલી જાઉં શાન ભાન.
સાદો દાખલો ન આવડે, ક્યાંથી ઊકલે પ્રમય ?
શૈશવ અને શમણાં વચ્ચે ન્હોતો કોઈ ભય.
***
-કૃષ્ણકાંત ભાટિયા
# 'કાન્ત'