કલમ શબ્દ સહારે પોકારે આવો રામ તમે.
વિચારો અક્ષરો થઈ આકારે આવો રામ તમે.
મનમંદિરે થઈ આરતી ઘંટારવ મધુર ભાસે,
લઈને સીતા લક્ષ્મણને હારે આવો રામ તમે.
અંતરે પ્રગટ્યો ઉજાસ આતમનાં અજવાળાં,
પ્રકાશનિધિ હનુમંત સથવારે આવો રામ તમે.
આંસુના તોરણ નયનદ્વારને શોભાવી રહેતાં,
પુલકિત ગાત્રોના એ આધારે આવો રામ તમે.
બની ઝંખના બળવત્તરને શબ્દો શૂન્ય થનારા,
ગળગળા સાદના ઉચ્ચારે આવો રામ તમે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.