શબ્દ-ઝરૂખે!
‘સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકી વેણી ને મહીં વાંકો કેવડિયો
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?
'સખિ તારો વાંકો…’
‘વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
વાંકો બીજનો ચાંદલો, હૃદય રહ્યાં અંકાઈ!
વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!’
‘સખિ મારો વાંકો…’
(બે સખીઓનો સંવાદ. એક સખી બીજીને પૂછે છે કે તારું બધું જ વાંકું કેમ છે? અંબોડો, સેંથો, વેણી, વેણીમાં કેવડાનાં ફૂલ, ઠુમકો અને દેહબંધ -બધું જ વાંકું કેમ? તો બીજી એનો પ્રત્યુત્તર વાળે છે કે આંબાની ડાળીઓ, નદીઓ, બીજનો ચાંદો – સૃષ્ટિનું આ ‘બાંકપન’ હૃદયમાં અંકાઈ રહ્યું હોવાથી અને ખાસ તો મારો મેળ જ વાંકા સાથે પડે છે, મનનો માણીગર પોતેય વાંકો છે… દલપતરામનું હળવા મિજાજનું કાવ્ય ‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’ યાદ આવ્યા વિના નહીં રહે…!)
~રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
(જન્મદિને સ્મરણ વંદના)