ઘરેથી નિકળતા હંમેશા લાગ્યા કરે, કે કઈક રહી ગયું છે, કઈક ભુલાઈ ગયું છે,
ચાવી, વોલેટ, બેલ્ટ કે બીજું કંઈ બોટલ, પૈસા, ટિફિન કે બીજું કંઈ...
સાંજ પડે બનાવેલું લાગણીઓનું લીસ્ટ, તકિયા નીચે મૂકેલું, પેલા સપના લોકરમાંથી કાઢી બહાર મૂક્યા ને થોડી ધૂળ સાફ કરી ત્યાં સવાર પડી ગઈ…
સમય જ ના રહ્યો બધું ઠીકથી રાખવાનો ...
અડધું જીવન વીત્યા પછી આવેલો વિચાર કે " હવે જીવવું છે " . મેં બાલ્કનીમાં બેઠા કાગળ પર ઉતારી દીધેલો...
કાગળ ઠેકાણે તો હશેને ??
નહીતો ફરી દાયકા વીતી જશે એ કાગળને ભરતા..
બાઇક ધીમું પડયું..
મેં પાછું વળી જોયું...
મન થયું કે એકવાર પાછો ફરું...
બધું ઠીક કરી આવું...
પણ સમયનું વહેણ ખાલી પાછળ જોવા દે..
જવા ના દે,
રોકાવવા ના દે,
મેં પાછી ગતિ પકડી, શહેર જતો રસ્તો ને વિચાર ...
કઈક રહી ગયું છે, ભુલાઈ ગયું છે