નાનકડા હાથોની આડી અવળી પાટલીઓથી વિંટાયેલ સાડી પહેરેલી એક ઢીંગલી ને ,
માવતર ના પ્રેમનું પાનેતર પહેરી મંડપ પર આવતા જોઈ ત્યારે લાગ્યું કે ,
આજે મારી દીકરી મોટી થઈ ગઈ.....
વાતો વાતો માં મારા હાથ પર પોતાનો હાથ રાખી કાલાઘેલા અવાજે પૂછતી , " પપ્પા , હું મોટી ક્યારે થઈશ..? " એવી આ ઢીંગલી ને ,
એ જ હાથ વડે ઘર ની દીવાલ પર થાપ લગાવતા જોઈને લાગ્યું કે,
આજે મારી દીકરી મોટી થઈ ગઈ.....
મમ્મી ના વઢવાથી રિસાઈને ઘરના ખૂણા માં છુપાઈને મારા મનામણાં ની રાહ જોઈ , મમ્મી ને વઢવાની રાય કરતી આ ઢીંગલીને ,
અધિકાર માટે બોલતા તેમજ જરૂર પડ્યે ચૂપ રહી સબંધોની મર્યાદાને સાચવતા જોઈને લાગ્યું કે ,
આજે મારી દીકરી મોટી થઈ ગઈ.....
ભણતરની મહત્વતા અને પોતાના ભવિષ્યની પ્રબળતા સાથે બે ઘરની જવાબદારીઓને સહજતાથી નિભાવતી આ ઢીંગલીને ,
ઘરચોળા માં સાસરાના શણગાર સાથે વિદાય આપતા જોઈને લાગ્યું કે,
આજે મારી દીકરી મોટી થઈ ગઈ.....
ઘર ના આંગણા માં માટીના ઘર ને તૂટતાં જોઈ, આંસુઓથી ભરેલ આંખો પર " પપ્પા , તમે ઠીક કરી આપશો ને..." એવી નિખાલસ અપેક્ષાઓના પુલ બાંધતી આ ઢીંગલીના મોઢે થી ,
વિદાયવેળાએ મારા આંસુઓ લૂછીને " પપ્પા , મારી ચિંતા નઈ કરતા " એવું સાંભળીને લાગ્યું કે,
આજે મારી દીકરી મોટી થઈ ગઈ.....
જયોતિ ભાવના પિત્રોડા