મુખવાસ એટલે જમ્યા પછી મોંમાંથી આવતી ગંધ દૂર કરવા માટેનું ઉત્તમ સાધન. લગભગ દરેકના ઘરમાં મુખવાસ તરીકે કંઈક ને કંઈક તો હોય જ! મુખવાસ એ ઘણી બધી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. બજારમાં પણ ઘણી બધી જાતનાં મુખવાસ મળે છે. એમાંથી મારી પસંદ છે પાનનો મુખવાસ. એમાં પણ ઘણી બધી જાતનાં પાનનાં મુખવાસ હોય છે. પાન તો બધા ને જ બહુ ભાવે. જો પાન નો મુખવાસ ઘરે બનાવવા માં આવે તો એ બજાર કરતા સારી અને ઉત્તમ ગુણવતાનો બને છે. પાન નો મુખવાસ ઘરે પણ સરળતાથી બની જાય છે. ચાલો આજે આપણે ઘરે જ પાનનો મુખવાસ બનાવીએ.
મુખવાસ બનાવવા માટેની સામગ્રી:-
આશરે 50 જેટલાં નાગરવેલનાં પાન
બસોથી અઢીસો ગ્રામ જેટલી વરિયાળી(બધાંને ભાવતી હોય એ પ્રમાણે વધઘટ કરી શકાય)
200 ગ્રામ ધાણાદાળ
સ્વાદ અનુસાર ગુલકંદ
અડધી ચમચી કાથો
50 ગ્રામ જેટલાં મીનાક્ષી પાનની ચટણી
100 થી સવા સો ગ્રામ જેટલી ખજૂરની કતરી
50 ગ્રામ ખાંડ અથવા સ્વાદ પ્રમાણે. ડાયાબિટીસ હોય અને ન નાંખો તો પણ ચાલે. ખજૂરની કતરી અને ગુલકંદ થોડો વધારે લઈ લેવો.
1 કપ પાણી
250 ગ્રામ ટુટીફૂટી (નાંખવું હોય તો)
50 ગ્રામ મીઠી સોપારી
1 ચમચી લવલી (આમળા અને બેલનુ મિશ્રણ)
બનાવવાની રીત:-
નાગરવેલનાં પાનને બરાબર ધોઈ લો અને કોરા કરી લો. પાન બરાબર કોરા થઇ જાય એટલે તેને ઝીણા ઝીણા સમારી લો અને 1 દિવસ માટે ઘરમાં સુકવી લો.
હવે એક લોઢીયામાં એક કપ પાણી અને ખાંડ મીક્ષ કરી ધીમા ગેસ પર તેને સતત હલાવતા રહો. ખાંડ બધી ઓગળી જાય પછી તેમાં બેથી ત્રણ ઉભરા આવવા દો અને ગેસ બંધ કરી દો.
હવે આ ખાંડ ના પાણી ને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થઈ જાય એટલે તેમાં લવલી, કાથો, મીનાક્ષી પાન ચટણી મીક્ષ કરો. હવે તેમાં પાન, ધાણાદાળ અને વરિયાળી મીક્ષ કરો.
બધું બરાબર મીક્ષ થઇ જાય એટલે મુખવાસ ને ઢાંકી ને એક દિવસ સુધી મૂકી રાખો. પછી મુખવાસ માં ગુલકંદ, ટુટીફૂટી, ખજૂર કતરી મીક્ષ કરો. હવે મુખવાસ ને એક પહોળા વાસણમાં એક દિવસ માટે તાપ માં મૂકી દો. જેથી તેમાં રહેલો ભેજ જતો રહે. પછી મુખવાસમાં મીઠી સોપારી મીક્ષ કરો. અને બરાબર હલાવો.
આશા રાખું કે તમને પદ્ધતિ ગમી હશે. ચોક્કસથી ટ્રાય કરજો.
સ્નેહલ જાની