કોઈ કોઈ જગ્યાએ મૌનનું આવરણ જરૂરી છે જીવનમાં;
તો કોઈ જગ્યાએ હા, ના નું બંધારણ જરૂરી છે જીવનમાં;
દુનિયાદારી અને જવાબદારી તો છે બે બાજુ જિંદગીની
સજીવ કહેવડાવવા માટે આ ભારણ જરૂરી છે જીવનમાં;
હર રોગથી કોઈ ઓસડ જીવાડે અહીંયાં એવું કોણે કીધું,
ક્યારેક, ક્યારેક વિષથી વિષનું મારણ જરૂરી છે જીવનમાં;
જળ ભરેલો સમંદર પણ તરસ નથી છીપાવી શકતો જ્યાં,
ઝાંઝવે ઝાંઝવે આશા જગાવતું રણ જરૂરી છે જીવનમાં;
અરમાનો દરેક દિલના પૂરાં ક્યાં થાય છે આ દુનિયામાં?
મન મારીને એ ઈચ્છાઓનું તારણ જરૂરી છે જીવનમાં;
મિજલસની ભીડમાં "વ્યોમ" યાદ કરે છે હર કોઇ અહીં,
એકાંતમાં થાય એવું કોઈનું સ્મરણ જરૂરી છે જીવનમાં;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)