.
જીવાયેલો ભૂતકાળ અને
ધરબાયેલો ઇતિહાસ
ઘણીવાર અચાનક સામે
આવી જાય છે...!
~~~~~~~~~~~~
ll સોનગઢ ગુજરાત રાજ્યમાં આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું તાલુકા મથક છે. અહીં વ્યારા-વાલોડ તરફનો વિસ્તાર સપાટ અને સીંચાઇથી ભરપુર છે, જ્યારે સોનગઢ-ઉકાઇ તરફનો વિસ્તાર ગીચ જંગલો વાળો છે તથા ઉચ્છલ-નિઝર તરફનો વિસ્તાર સુકો તથા ડુંગરાળ અને ઝાંખા જંગલો વાળો છે. ભૌગોલીક અનુકુળતાને કારણે અહીં ઉકાઇ તથા કાકરાપારમાં મોટા બંધો બાધવામા આવ્યા છે. અહીં તાપી, મીંઢોળા, પુર્ણા, અંબિકા અને નેસુ જેવી નદીઓ આવેલી છે. અહીના જંગલોમાં દિપડો, હરણ, ઝરખ, સસલા, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
સોનગઢ સુરત - ધુલિયા માર્ગની બાજુ પર આવેલ ઊંચી ટેકરી પર તાલુકા મથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલ પ્રાચીન કિલ્લો ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી. આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઇ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાના પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો.
ત્યારબાદ બાબીઓ પાસેથી વડોદરા રાજ્ય જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ઇ. સ. ૧૭૬૩ સુધી સોનગઢ ખાતે રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી. આ કિલ્લા સાથે છત્રપાતિ શિવાજી મહારાજની પણ કેટલીક વાતો જોડાયેલી છે. આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળી માતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે. દશેરાના તહેવારનો અહીં મોટો મેળો ભરાય છે.
જીવાયેલો ભૂતકાળ અને ધરબાયેલો ઇતિહાસ ઘણીવાર અચાનક સામે આવી જાય છે. આવો જ એક જળ નીચે ધરબાયેલો ઇતિહાસ વાજપુર કિલ્લો. ઉકાઇ ડેમનાં સર્જન વખતે આખો કિલ્લો પાણીમાં ડૂબી ગયો હતો. દર વર્ષે ઉનાળામાં જળસપાટી નીચે આવતા કિલ્લાની ટોચનો ભાગ જોઇ શકાય છે, તો ક્યારેક જળસપાટી વધુ નીચે આવી જતાં કિલ્લો અને કિલ્લાની તોપો પણ જોવા મળે છે. તાપી નદી પર વર્ષ ૧૯૬૪માં સોનગઢ નજીક ઉકાઇ ખાતે બહુહેતુક જળાશય યોજના (ઉકાઇ ડેમ) બાંધવાની શરૂઆત થઇ હતી. તાપી નદી કિનારે ગાયકવાડી સ્ટેટમાં વાજપુર ગામની સીમમાં વાજપુર કિલ્લો વર્ષો જૂનો ઉભો હતો. ઉકાઇ ડેમ વર્ષ ૧૯૭૨માં તૈયાર થતાં તેમાં પાણી સંગ્રહ થતાં વાજપુર કિલ્લો ડૂબી ગયો હતો. વાજપુર કિલ્લામાં રજવાડા સમયના સાધનો તથા તોપ હતી જે તમામ ડૂબી ગયા હતાં. ll
* વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત સપ્ટેમ્બર ૨૦૧૩.
તસવીરો ગૂગલના સૌજન્યથી.
-મહેશ ઠાકર