પતંગો આકાશે ઊડે ત્યારે જાણે આખુંયે આકાશ માપી લઈ તેનો ડગલો બનાવવાની હોય એમ ડાબે-જમણેથી ઊપર-તળે કરતી રહે. પાછી, જેના હાથમાં તેની દોર છે તેનેય પોતાની જોડે હવામાં ખેંચવાના દાવ-પેચ કરતી રહે, અને તેય પરિણામ વિશે ઝાઝું વિચાર્યા વિના જ. આ પ્રયાસમાં ક્યારેક તેની દોર પકડનાર માનવીની આંગળીમાં નાના મોટાં દરવાજા ને બારીઓ બનાવી દે જેથી થોડો રક્તસંચાર શરીરબહાર થાય તો ગભરાયેલો જણ તેને મુક્ત ગગનમાં છોડીયે દે. તો વળી, કોઈક વીરલો પતંગને પોતાની પ્રતિષ્ઠા નું એક તત્વ સમજી તેની ખેંચ તાણમાં લાગી પડે. એ ભૂલી જાય કે આ જ આંગળીઓ ઘવાશે તો તે થોડા દહાડા દાળ-ભાતના સબડકા નહીં લઈ શકે, કપડાં ધોવાં સાબુમાં હાથ નહીં નાખી શકે. તે તો મરણિયો થઈ પતંગનો દોર ખેંચી રાખીને ક્યાં તો પવનના ભારે આંગળીઓને ઇસ્પિતાલ પહોંચાડશે ક્યાંક પતંગ પોતે વધુ તંગ થઈ ને જાતે જ હવાઓની થપાટો ન ખમાતાં પોતાની કરોડરજ્જુ તોડી લઈ પવનશરણ થઈ જમીનદોસ્ત થવા અવરોહિત થશે.
પતંગ પાછી નાની હોય, તો હવામાં ઝાઝાં નાટક કરે. તેને માનવી પોતાની ઈચ્છા મુજબ સ્થિરેય ન કરી શકે. ડાબે ગોઠવે તો જમણે સરકી જાય. જમણે ગોઠવે તો ગોથુંયે ખાઈ જાય. તેને સ્થિર કરવા અનુભવી પતંગયોદ્ધાઓ તેને એક લાંબી પૂંછડી ચોંટાડવાનો કિમિયો બતાડે. એટલે હોંશીલો પતંગપ્રેમી પતંગની લંબાઈથી ત્રણગણી કાગળની પટ્ટી તેના ઉપર પૂંછડીરૂપે ચોંટાડે. આ પછી એને કોઈએ કહ્યું નથી હોતું કે પતંગને હવે ઊંચે કેમ લઈ જવાય. આ બાજુ વજનદાર થયેલ પતંગ ઊભાં થવાનુંયે નામ નથી લેતી અને માનવીને તેને ઊંચે આકાશમાં ગોઠવવી છે. આ મથામણ ચાલતી હોયયત્યારે બે દિ' માટે ધાબાંવાસી થયેલા માણસને ઊપાય સૂઝે ગેસના ફુગ્ગા દ્વારા પતંગને આરોહણ કરાવવાનો. આખરે પતંગે નીચે ભાર અને ઉપરની ખેંચતાણને વશ થઈ એક માનવીય કઠપૂતળીની માફક આકાશગમન કરવું જ પડે છે. તેનું ગંતવ્ય હવે સંપૂર્ણપણે તેના હાથમાં નથી.
હવે આવી મોટ્ટી પતંગ. એ તો બધાંનાં કાબૂ બહાર. માનવીના હાથમાંયે ન ટકે ને પવનથીયે ન ઝાલી રહે. એ તો સાચા પતંગ ચગાવનાર કસબીનું કામ. જેણે મનઃસ્થિરતામાં પારંગત હાઃસલ કરી હોય તે જ આ મહાપતંગને આકાશે ચડાવી શકે બાકીના તો આજુબાજુની નીચી કે ઊંચી નડતી અગાશી, પવનનું જોર અને લોકોના અવાજનાં બહાના કાઢી પતંગને દોષ દઈ છોડી દે.
પાછું પતંગ ચગાવવાનું જોશ આટલાં પૂરતું સિમિત નથી રહેતું. રાતના અંધકારમાં મોટી મોટી સફેદ પતંગોને આકાશમાં સ્થિર કરી તેની ઉપર હારબંધ કંદીલો લગાવી તેમાં ટમટમતી મીણબત્તીઓને આકાશના તારલાઓ સાથે હરિફાઈ કરવા મોકલનાર પણ ઓછાં નથી હોતાં. આ કામચલાઉ તારલાઓ કાયમી તારલાને હંફાવી તો નહીં જ શકતાં હોય, પણ માનવમનને કાંઈક મેળવ્યાની, કાંઈક નવીન કર્યાની આશા બંધાવતો જાય છે.
સામાન્યતઃ આખો દિવસ કોમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઈલ ફોન, લેપટોપ અને રસોડામાં ભરાયેલો જીવ પતંગની પાતળી પણ મજબૂત દોરથી બંધાઈ એક-બે દિવસ અગાસીમાં આવી પતંગોત્સવના બહાને સૂર્ય નારાયણ દેવના સાનિધ્યમાં બેસે છે, વાદળોને નિરખે છે, પવન સાથે ક્યારેક પ્રીત તો ક્યારેક ઝઘડો કરી લે છે, પોતાના ચાર દિવાલના ઘરની ઉપર એક અગાસી કે છાપરું છે અને ત્યાંથી તેની દુનિયા ઘણી વિશાળ અને તાજગીભરી બને છે એ વાતનો તેને ભાસ થાય છે. રોજ રસોડાનાં, આૅફિસનાં અને રસ્તા ઉપર ચાલનાર યંત્રોથી ટેવાયેલાં જીવને વહેલી સવારે, સૂરજ ઢળવા ટાણે ધાબેથી પક્ષીઓના ઝુંડ જોઈ પોતાની જીવંતતાનો અચૂક અહેસાસ થઈ જાય છે. તે થોડા સમય માટે પોતાને પતંગરૂપે પક્ષીઓની જેમ મુક્તવિહાર કરાવી પતંગ-દોરનો રસ ઊમેરે છે.
#પતંગ