રોજ કોઈને નડે એ જ માણસની ઔકાત.
પછી ઠોકરે ચડે એ જ માણસની ઔકાત.
ઉગે તો સૂરજની જેમ બિલકુલ બેપરવા,
ને વૃદ્ધ થઈ ખરે એ જ માણસની ઔકાત.
અહમમાં કોઈ બાંધછોડ ક્યારેય નહીં કરે,
અંતે એકલો પડે એ જ માણસની ઔકાત.
બૈરીના પૈસે દારૂ ઢીંચે ને શૂરવીરતા બતાવે,
વેરાન ઘરને કરે એ જ માણસની ઔકાત.
તનતોડ મેહનત કરે સૌને જીવાડવા માટે,
ને રોજ એકલો મરે એ જ માણસની ઔકાત.
પારકાને તો દોડીને મદદ કરવા પહેલો પહોંચે,
ઘરના દુઃખથી ડરે એ જ માણસની ઔકાત.
'સાગર' એને સમજવો ખૂબ મુશ્કેલ છે ભાઈ,
ઘડીક હસે ને રડે એ જ માણસની ઔકાત.