રક્ષા બંધન (બહેની નો ભાઈ ને રાખડી મોકલતો પત્ર)
પ્રિય ભાઈ,
મેઘાચ્છાદિત્ત ઘટા ઓ મંદમંદ લહેરાતા પવન ને મદહોશ કરી રહી છે, રોજ રોજ સોળ કળા એ ખીલતાં સૂરજ નાં કિરણો ને પોતાની આગોશમાં લઈ ને બહેકાવી રહયા છે. અને સૂરજ નાં કિરણો આસમાન માં સાત રંગ ની રંગોળી થી મેઘ ધનુષ નો માંડવો રચી આવનારા શ્રાવણ માસ નું સ્વાગત કરી રહ્યા છે.
મહાસાગર ની લહેરો કિનારા ને તોડવા ઉછળી રહી છે,પર્વતો થી ભાગતી નદી ઓ ગાંડી ઘેલી બની દોડી રહી છે.ધરતી ને માંડવે લીલા તોરણો બાંધી,રંગબેરંગી ફૂલો ની જાજમ બિછાવી રહી છે.ત્યારે મારા મન નો મોરલો મન મુકી નાચી રહયો છે,તે હાથ માં કેમ કરી ને રહે? , હૈયા ની હેલીઓ છલકાય ને ખાંગા મેઘ બની વરસી રહી છે. આંગણે આવતો રક્ષા બંધન તહેવાર હોય અને બહેની બારણે ઊભી હોય તેમાં શું નવાઈ ?.
હૈયા એ ગૂંથેલા સ્નેહ ની દોર માં , આંખો થી વરસેલા લાગણી ના મોતી પરોવી ને બનાવેલી આ રાખડી માં ભાઈ નાં વિજય રથ ની મંજીલ રચી છે. બંધુ ભાઈ માટે ભાવેલા સુખ ની મનોકામના લખી છે. હૃદયના મહેકતા ભાવ ની સુગંધ ભરી છે.
આ રાખડી એટલે કોઈ S.S.C., B.Com., P.hd. અથવા M.B.B.S. નુ સર્ટિફિકેટ નથી. આ રાખડી બહેની નાં હ્રુદય ની ધડકનો નો ભઇલા ને આપેલો શ્વાસ છે. ભાઈ નું જીવન હંમેશા હર્ષ ભેર હર્યું ભર્યું રહે એનો વિશ્વાસ છે . ભાઈ નાં હ્રુદય ની ધમની માં વહેતા લોહીમાં ,બહેની ની ગંગાજળ ની છાંટ છે. ભાઈ નાં પગલાં માં જોમ અને હાથ માં જશ રેખા નું બહેની તરફ થી વરદાન છે. બહેન નાં હ્રુદય માં રહેલા કાળજા ના કટકા ને આશિષ નું વેક્સિન આપવા આજ ભઇલા ની સામે ઉભી છે.
બહેની તુલસી ક્યારો અને ભાઈ કૃષ્ણ કનૈયાલાલ છે.
ખૂબ ખુંબ જીવો,સુખી રહો, આનંદ થી રહો, એવા ભાવ સાથે આ બહેની નાં આશિષ.
જયવંત બગડીયા / કવિરાજ
..