મારા બા ભલે સાવ અભણ છે પણ, એની પાસેથી મને જે જાણવું હોય એ જાણવા મળે છે.
હાલમાં બહેનડીઓના વ્રત ચાલુ છે ત્યારે મેં દરેક વ્રત વિશે વાંચવા મળ્યું ત્યાંથી વાંચી લીધું. આ લખાણ કેટલું સત્ય છે ને કેટલું તર્કસભર છે એ પણ જાણવાના ઘણા પ્રયાસ કરી જોયા. જો કે, આમાં ખાસ કોઈ ગજું ન ગાજયું પણ, બા પાસેથી વ્રત વિશે અને એના સમયમાં વ્રત વખતે કેવી સ્થિતિ હતી એ જાણીને મને થયું કે, મારે આ બાએ કરેલી વાતો આજની મોર્ડન કહેવાતી પેઢી સુધી પહોંચાડવી છે.
જેમ મેઘાણીને સૌરાષ્ટ્રના ગામડામાં વસતા અભણ લોકો મોઢે મોઢ વાર્તા કરતા અને મેઘાણી એ લખી લોકો સમક્ષ રજુ કરતા એમ જ અહીં હું બા પાસેથી જે કંઈ જાણવા મળ્યું એ લેખિત સ્વરૂપે અહીં મુકું છું.
બટા પનર વિહ વરહથી ઝમાનો હાવ ઝૂદો જ થઈ ગયો સે. અમારા વખતમાં અમે તમારી જેવું કંઈ નતું ભાળ્યું. અમી તો ફિલમ જોવા હારું ટેમ્પો બાંધી બે પાસ રૂપિયાની ટિકટ લઈને ફિલમ જોવા જતા. કોઈ વેહ કે ભવાય આજુ બાજુના ગામમા હોય તો, અમે બધી ભેગી થઈને કાળી રાત હોય તોય હાલીને જોવા જતા એમાંય જો હાવ પડકહેના ગામમાં હોય તો તો, એક હાહે ધોડીન પોગી જાયી. ઇ વખતમાં પણ, વેહેય બોવ હારા ભઝવતા હતા. આનિકોર આપણે હંધા વિસ્તારમાં ઇ વખતે પાણે પાણે માણહ હતું એટલે ઝવાન સોડિયુનેય કોઈના બાપની બીક નહોતી. વળી તેદી તો સોડિયુંય એવી હબળ હતી કે, કોક આંગળી લાંબી કરે તો એની આંગળી કાપી નાખે.
અટાને આ બધા વરત કરે ઈય હાવ નોખા થઈ ગયા. અમારા વખતમાં તો આખા ગામની સોડિયું ભેગી થઈને હંધા વરત ઉજવતી. અટાને જે પૂજા વિધિ કરે એમાં તો હવ હવ પોતાની અનુકૂળતા મુજબ જેમ તેમ કરે. ભેગા થઈને જે વરત ઉજવવાની મજા હતી એ તો હવે તાંય ને રી.
અમી જાગરણ કરતા તારે તો આખું ગામ ભેગું થતું. આ વખતે સોડિયું અને સોકરાને રમવા સિવાય કાંઈ ખબર નો પડતી.
રાતના અમે રાહડા લેતા તારે તો અમી દેખાઈએ એવી નહોતી તોય અઠયો લેવા પુગી જાતિ. બધી ન્યાતના ભેગા મળી જાગરણમાં બોવ તોફાન કરતા પણ, તારે કોઈને બીક નતિ આજે લાગે એવી.
આઠમના જાગરણમાં કાનનો ઝલમ થાય તારે તો બધા ઘેર ઘેરથી પતરાના ડબ્બા અને થાળી લઈને પોગી જતા. આ વખતે ગેબા વાળા બડીયા પતરાના ડબ્બા પર તાનીન મારતા અને રાહડા રમતા.
હવે આમાંનું કાંઈ ને જોવા મળતું. અટાને તો, આ માણહ કોઈ, કોઈના રહ્યા જ ને એટલે કોઈને કોઈ પર વશવાહ આવતો જ નથી. અત્યારે તો કોઈ જવાન સોડી કોઈ હાઇરે ઘડીક કામની વાતું કરવા ઉભી હોય તોય મલક આડું વશારે. ભાઈ બહેન ભેગા ગાડી માથે જાતા હોય તોય આડી નજરે જ બધા જોવે.
આ ટીવી અને ફોન થતા તો આખો મલક બગડી ગયો.
બા પાસેથી આટલું સાંભળ્યા પછી મને એમ થઈ ગયું કે, ફરી એક વખત બાએ જે કહ્યું એ સમયની એક ઝલક પણ જોવા મળી જાય તો કેવી મજા પડે?
મનહર વાળા, "રસનિધિ." ભાવનગર.
મોબાઈલ.
9664796945.