જાજા ઝરખડાં જોઈને, સિંહ જો છેટો જાય.
તો તો વનમાં વાતું થાય ને કોણ કેહરીના ગુણ ગાય?
બે'ક ડગલાં બેહે ઘડી.
ત્રાગે ટૂંકટાટિયાવની કાય.
બવ ઝરખાં કરે બરાહ ને સાવજ માંગે સહાય!
તો તો વનમાં વાતું થાય ને કોણ કેહરીના ગુણ ગાય.
સાદૂળો એકલ સિંહડો.
ઓલ્યા હોય અઢાર.
તોય ભયનો લાગે ભાર, એવું ન અહીં થાય.
તો તો વનમાં વાતું થાય ને કોણ કેહરીના ગુણ ગાય.
ઝરખ જેવાં ઝડબા.
ડાલા મથ્થાને દેખાય.
ને મૃગેન્દ્ર ભોંમાં માંય, જો વધે ઝરખડાંની વાયડાઈ.
તો તો વનમાં વાતું થાય ને કોણ કેહરીના ગુણ ગાય.
લાળ પાડીને લુચ્ચાવ.
ધમરોળવા સિંહણને ધાય.
લાગે ન સિંહને લાય ને 'દેવ' કરે ન કશું કાંય!
તો તો વનમાં વાતું થાય ને કોણ કેહરીના ગુણ ગાય.