"દોસ્ત, તારી દોસ્તી..."
ટૂંક સમયમાં જુલાઈ મહિનાનો અંત અને ઑગસ્ટની શરૂઆત થવા જઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ, ઑગસ્ટનો પહેલો રવિવાર એટલે, "મિત્રોનો દિવસ, મિત્રો માટેનો દિવસ, મૈત્રી ઉજવવાનો દિવસ, લોહી વગરના સગપણને વ્હાલ કરવાનો દિવસ." આમ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે 30 જુલાઇના દિવસે "આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ" મનાવવાનું જાહેર કર્યુ હતુ. જો કે, ભારત સહિત કેટલાય દેશમાં ઓગષ્ટના પહેલા રવિવારે જ ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે. ઘણા લોકો ઉત્સાહથી ફ્રેન્ડશિપ ડે ઉજવે છે. તો ઘણા લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ કહીને વિરોધ પણ કરતા હોય છે. મારુ માનવું છે ત્યાં સુધી આવા દિવસો માણસને એના જીવનનો યાદગાર સમય યાદ કરાવી જાય છે. હંમેશા વ્યસ્ત રહેતો માણસ પણ ફ્રેન્ડશિપ ડે ના દિવસે તો પોતના જુના અને પાછળ છૂટી ગયેલા મિત્રોને યાદ કરે જ છે.
ક્યાંય ફ્રેન્ડશિપબેલ્ટ બાંધીને પોતાની મિત્રતા સાબિતી કરતા યુવાનો જોવા મળશે તો ક્યાંય સુદામાની જેમ તાંદુલ આપનાર મિત્રો પણ જોવા મળે છે. સામે સુદામા હોય કે અર્જુન હોય પણ કૃષ્ણ બનીને મિત્રતા નિભાવી શકે એ જ સાચો મિત્ર. યાદ રાખવું કે, મિત્રતા એ તમારા રંગ, રૂપ, તમારી પરિસ્થિતિ, તમારી આદતો, તમારી જ્ઞાતિ, દરેક થી પરે છે. આ એવો સંબધ છે જેમાં તમેં સામે ચાલીને બંધાયા છો. લોહી વગરનો છતાં શરીરમાં રક્તની જેમ વહેતો, જીવતો જાગતો સંબંધ એટલે જ મિત્રતા. ઘણી વાર મિત્રતા વિજાતીય પણ હોય છે. આવી મિત્રતામાં કોઈ અપેક્ષા, કોઈ માંગણી, કોઈ સ્વાર્થ નથી હોતો. તેમ છતાં જગતમાં તેનો સ્વીકાર નથી થતો. સ્ત્રી અને પુરુષ વચ્ચે જે મિત્રતા બંધાય છે તે ખરેખર સહજ અને સમજણથી ભરેલી હોય છે. જીવનમાં ઘણા મિત્રો આવે છે. એમાંથી ઘણા જીવનભર સાથ નિભાવી જાય છે તો ઘણા જીવનભરની શીખ આપતા જાય છે. કેવા મિત્રોને જીવનમાં સ્થાન આપવું એ આપણા હાથની વાત છે.
જીવનમાં ઘણા મિત્રો એવા હશે જે અત્યારે તમારી સાથે નહિ હોય પણ તેમની સાથે વિતાવેલા એ સમયને યાદ કરી લો. તમારો સમય ગમે તેવો સારો હોય પણ જે મિત્રોની સાથે મોટા થયા છો એ મિત્રોને નાના સમજવાની ભૂલ ક્યારેય ના કરવી. જોસેફ પેરી લખે છે કે, "દોસ્ત નવા બનાવો કિંતું ના વિસરો જુનાને, પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને..."
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:
તેરી હર એક બુરાઈ પે ડાટે વો દોસ્ત
ગમ કી હો ધૂપ તો સાયા બને તેરા વો દોસ્ત
નાચે ભી વો તેરી ખુશી મેં અરે યારો દોસ્તી
બડી હી હસીન હૈ યે ના હો તો ક્યાં ફિર બોલો યે જિંદગી હૈ
કોઈ તો હો રાજદાર, બેગરજ તેરા હો યાર
- SHILPA PARMAR "SHILU"