આધિ, વ્યાધિ, ઉપાધિ છોડાવે હરિ સ્મરણ તારું.
નામ સ્મરણે એ અંતર ભીંજાવે હરિ સ્મરણ તારું.
રહે રત હરિભક્તો અવિરત તારી દુનિયામાં સદા,
કલેશ મન તણા સહજ ભૂલાવે હરિ સ્મરણ તારું.
ના રહે પછી દુન્વયી છળકપટની માયાજાળ બધી,
નિજજનના એ નયનને ઊભરાવે હરિ સ્મરણ તારું.
થાય અનુભૂતિ આતમને પરમાત્માના અનુસંધાનની,
પછી મોહમાયા લેશ ન લલચાવે હરિ સ્મરણ તારું.
નિજાનંદે મહાલે જીવ વૈભવ એ પરમ પિતા પરમેશ,
ફેરો લખચોરાશી જીવ તણો છોડાવે હરિ સ્મરણ તારું.
પરમશાંતિ અનુભવતો આતમ નિજદોષને મમળાવે,
ધરા ઉપર જાણે સાકેત એ બોલાવે હરિ સ્મરણ તારું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.