પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
રેઇનકોટ ને ગમશુઝથીયે, જાડી ચામડીયુ વાળા કયે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે?
પણ, મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
કઇ રીતે ભીંજાવું, એનું લાંબુ લાંબુ ભાષણ દઇને,
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું...
~ કૃષ્ણ દવે