વણકહી લાગણીઓ,એક પિતાની!!
જે ઝંખે છે પોતાના પ્રેમનાં અંશને!!
આયુધો વીનાની લડાઈ, એક પિતાની!!
જે લડે છે પોતાના જ ભગવાનથી!!
એક માઁની પીડાને સહુ કોઈ સમજે;
પણ એક પિતાની પીડાને ક્યાં કોઈ સમજ્યું!?
એક સ્ત્રી જેમ રાહ જુએ છે, માઁ બનવાની;
તેમ પુરૂષ પણ રાહ જુએ છે, પિતા બનવાની!!
પોતાનાં સંતાન પર વ્હાલ વરસાવવા;
પિતાનાં સ્નેહ સાગરમાં નવડાવવા!!
"પપ્પા" કહેવાવાળું એને પણ જોઈએ છે;
પા-પા પગલી કરવાવાળું એ પણ તો ચાહે છે!!
બસ! એ કશું બોલી નથી શકતો;
પોતાની લાગણીઓને દર્શાવી નથી શકતો.
થાય છે પીડા, ને દુભાય છે મન એનું પણ;
મારે છે આ સમાજ, જ્યારે સવાલોના બાણ!!
કેમ હજી બાળક નથી? કોઈ સમસ્યાતો નથીને?
હજી કેટલી વાર છે? અમે બધાં રાહ જોઈએ છીએ?
કેટલાંને જવાબ આપતો ફરે? કોને કોને સમજાવે?
કે બીજાં બધાં કરતાં, પોતે સૌથી વધુ આતુર છે!!
ભૈ, જરૂરી નથી કે કોઈ સમસ્યા જ હોય;
ક્યારેક ઇશ્વરની પણ તો ઈચ્છા હોય!!
એક જ અરજ છે, આ સમાજ અને સ્નેહીજનોને;
બક્ષી દો એ દંપતીને, સમજો એમની મન:સ્થિતિને!!
ના કરો લાગણીઓને તાર તાર, કરી કરી ને શબ્દોના વાર;
કોઈને હક નથી એ પૂછવાનો, ને કાકરિચારો કરવાનો!!
કહેવું છે "લાડુ" ને, બસ એટલું જ સૌને;
જરૂરી છે બદલવાની, માનસિકતા સૌએ!!
✍️- ખ્યાતિ સોની "લાડુ"