પુસ્તક વાંચન એટલે મગજમાં વિચારોના દ્વારા ખોલવાની ચાવી. કારણ જે વાંચે છે તે વિચારે છે. વાંચન હાલના સમયમાં ખૂબ જ જરૂરી બનેલ છે, જ્યારે આંગળીઓના ટેરવા અને આંખની કીકીઓ મોબાઇલની ગુલામ બની ગયેલ છે. કારણ મોબાઈલમાં કામની વસ્તુ કરતા સમય અને મગજ બગાડવાની વસ્તુ હાલના સમયમાં વધારે આવે છે. મોબાઈલ સારો છે, દરેક ટેકનોલોજી સારી છે. પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ કરતા આવડે તો.
હાલ સમય એવો છે કે સમય જોવા કાઢેલ મોબાઈલ સોશિયલ મીડિયા ચેક કરી પાછો મૂકી દઈએ છીએ અને ફરી યાદ આવે છે કે અરે સમય જોવાનો તો રહી જ ગયો..
આવા સમયે જો આ રોગ હોય તો એની દવા પૈકી એક એટલે વાંચન. વાંચન જ આપણા વિચારોના, કલ્પનાઓના અને આપણા જ્ઞાનના દ્વારા ખોળે છે.
મનને પૂછીએ તો તરત જ જવાબ મળી જાય છે કે બાળકને વારસામાં શુ આપવું છે? મોબાઇલની ગુલામી કે વાંચનનું આધિપત્ય. અને આમેય પણ જે આપણા માટે સારું છે તે આપણને ક્યારેય નથી ગમતું. બાળકને દૂધ, ફળફળાદી કે પોષકતત્વો વાળા શાકભાજી નથી ભાવતા પરંતુ ફાસ્ટફૂડ કે ચોકલેટ્સ મળશે તો દોડતું આવશે. આવી જ હાલત હાલમાં મોબાઈલ અને પુસ્તક વચ્ચે છે. જેમાં હંમેશા દરેક વખતે પુસ્તક હારી જાય છે.
પુસ્તકો જેટલા વેચાય છે તેટલા કદાચ વંચાતા નથી. માત્ર ફોટો સેશનમાં બેકગ્રાઉન્ડ સજાવવા માટેનો આધાર બની રહે છે.
માટે જ, દિવસનો અમુક જ સમય મોબાઈલ પાછળ વેડફીએ. બાકીનો સમય આપણા માટે આપણા બાળકો માટે આપણા પરિવાર માટે વાપરીએ.
હાલના માતા-પિતા ગર્વ લેતા કહે છે કે આમારુ બાળક આટલી નાની ઉંમરમાં ફટાફટ મોબાઈલમાં બધું ચાલુ કરી આપે છે. યુટ્યુબ કે ગેમ જાતે જ ઓપરેટ કરે છે. અમને તો હજુ કાઈજ ખબર નથી પડતી. પરંતુ શું આ બાબત ગર્વ લેવા જેવી છે?
શુ આપે ક્યારેય એમ કહ્યું કે મારા બાળકે ચિત્ર વાર્તા કે કોઈ બાળ મેગેઝીન કે કોઈ બાળવાર્તાની ચોપડી જાતે લઈને ખોલી કે વાંચી? જો આનો જવાબ હા છે તો શું આ ગર્વ લેવા જેવી બાબત નથી!
અંતે એટલું કહેવું છે કે આપ આ જે વાંચી રહયા છો તે પણ એક મોબાઈલના માધ્યમથી જ વાંચી રહ્યા છો. હવે એ સમયનો બગાડ છે કે સમયનો સદુપયોગ છે એ આપે જ નક્કી કરવું રહ્યું.
PARESH PRAJAPATI