ક્યારેક
વૉટ્સઍપ પર
સર્ચ કરું છું તો
તારી પ્રોફાઇલ મળી જાય છે
તને મોકલવા
કંઈક મેસેજ ટાઈપ પણ કરું છું
પણ
ડિલિટ કરી નાખું છું તરત
ક્યાંક એ મેસેજ જોઈને
તું મને અહિંયાય બ્લૉક ન કરી નાંખે
એફબીમાં મને અન-ફ્રેન્ડ કર્યો’તો ને, એમ જ
તારા નાના પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી
એને મોટો કરીને
નીરખી રહું છું થોડી વાર
ને પછી ફટાફટ
બૅક બટન બે ત્રણ વાર દબાવીને
નીકળી જઉં છું
વૉટ્સઍપની બહાર
બસ એ જ દિલાસાને જીવતો રાખવા
કે ભલે આપણે અહીં કનેક્ટેડ ન હોઈએ
ઍટલીસ્ટ,
ડિસ-કનેક્ટેડ નથી!
અને
એવુંય શક્ય છે ને
તું ખોલીને જોઈ લેતી હોય
મારી પ્રોફાઇલ
ક્યારેક!