“વાાંધા એટલા સાંધા”
વાંધા વચકા ન પાડે તો તે નેહા નહીં. નેહાને ખુશ રાખવા નીલ મથી મથીને થાક્યો. પાણીમાંથી પોરા કાઢવાની તેની આદત નીલને ન ગમતી પણ લાચાર હતો. બધી જ રીતે કાર્યકુશળ પણ આ એક બુરી ટેવ તેનો પીછો ન છોડતી.
હોંશિયારીને કારણે ઘરમાં તેમજ બહાર બધાને પ્રિય નેહા સહુને ખુશ રાખી શકતી. જેમ તેના પ્રિય અને ચાહિતા ઘણાં તેમજ તેના દુશ્મનોનો પણ તોટો ન હતો. નેહા વિચારતી મેં ક્યારેય સ્વાર્થ રાખ્યો નથી. સહુના કામ કર્યા છે. પણ જીવનનું એક સત્ય વિસરી જતી. આ દુનિયામાં સહુને ખુશ કરવા સંભવિત નથી. આજે નીલ ખુશ હતો. નોકરી પર બઢતી મળી હતી. ઘરે આવીને નેહાને બારણું ખોલતાં જ આલિંગનમાં ભીંસી ગોળ ફેરવવા લાગ્યો. નેહા પ્યારથી કહે, "મને નીચે મૂક." પણ સાંભળે તે બીજા. નીલ જ્યારે થાક્યો ત્યારે નેહાને નીચે મૂકી વાત માંડી.
આજે મને નોકરીમાં બઢતી મળી છે. હવેથી ગાડી પણ મળશે અને પેટ્રોલ કંપનીનું. નેહા ખુશ થઈ આનંદ વ્યક્ત કર્યો. ધીરે રહીને કહે, "ડ્રાઈવર ન આપ્યો નહીં?" નીલ કહે, "જોઈશે ત્યારે બોલાવી લઈશું યા તો આપણા ‘સોનુ’ને શિખવાડી દઈશું."
નીલ ખુશ હતો. જરાક કામ પરથી આવતાં મોડું થતું તે નેહાને ગમતું નહીં પણ આંખ આડા કાન કરતો. નેહાના માતાપિતા અવ્યા. જમાઈની પ્રગતિ જોઈ ખુશ થયા. અઠવાડિયું રહી પરોણાગતિ માણી પાછા પોતાને ઘરે ગયાં.
હવે વારો આવ્યો નીલના માતા પિતાને આવવાનો! નેહા કહે, "ભલેને છ મહિના પછી આવે. હમણાં મને જરા ઠીક નથી." નીલ બોલ્યો તો નહીં પણ મહિનો માસ મોડું ઠેલવવા સફળ થયો. તેમના આવવાને ટાંકણે નીલ વિમાનઘરે લેવા ગયો. દીકરાની પ્રગતિ
જોઈ માતાપિતા ખુશ થયાં. નેહાને ભાગ્યશાળી ગણાવી. નીલના પિતાથી કહેવાઈ ગયું કે નીલને ઉછેરવામાં તેની માએ જરાય કચાશ રાખી નથી.
નેહા આ ન સહી શકી, "એ તો હું સારા પગલાંની અને શુકનવંતી નિવડી." નીલ અને તેના વડિલ હવે સમજી ગયાં. કાંઇ પણ કરે તે વાંધા જનક જ લાગે. ખેર તેઓ તો ચાર દિવસમાં પાછા ગયાં. નેહા સખીવૃંદમાં પણ દરેકની નબળી બાજુનું જ અવલોકન કરતી. આ આદત કેવી રીતે સુધારવી તેની ગડમથલમાં નીલ વ્યસ્ત રહેતો.
નેહાની ૪૦મી વર્ષગાંઠ આવવાની હતી. નીલને સરસ ઉપાય સૂઝ્યો. બધાંજ મિત્રમંડળને આમંત્રણ આપ્યું. દરેકને તેમની સારામાં સારી વાનગી લાવવાનું કહ્યું. નેહાના ભાઈબહેનને પણ આમંત્ર્યાં. નીલની નાની બહેન તેના બાળકો સાથે આવી. બંનેના માતાપિતા બે મહિનામાં ફરીથી આવ્યાં. નીલે તેના માતાપિતાને નેહા માટે હીરાનો હાર લાવવાનું ખાનગીમાં કીધું હતું. વર્ષગાંઠને દિવસે નીલ તથા નેહા મંદીરે જઈ આવ્યા. નીલે સુંદર ફુલોનો ગુલદસ્તો નેહા માટે ખરીદ્યો. બપોરે બંને જણા આરામ કરતાં હતાં ત્યાં દરવાજાની ઘંટ્ડી વાગી. બારણામાં જુએ તો લગભગ ૨૫ જણાં આવ્યાં હતાં. નીલે બધી તૈયારી નેહાની જાણ બહાર પોતાની બહેન તથા નેહાના ભાભીને સાધીને કરી હતી. હસીખુશીથી બધાએ સાંજ ઉજવી. નેહાના આનંદનો પાર ન હતો. બધી ભેટ સોગાદો અને પ્રેમ જોઈ તેની જીભ સિવાઈ ગઈ. ક્યાંય વાંધો કાઢી શકી નહીં. તેણે બધાને નિર્મળ આનંદ પિરસ્યો. જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો.
રાત્રે કોઈજ રોકાવાનું ન હતું. નીલે બધી સગવડ કરી રાખી હતી. નીલ કહે, તારી આજ કેવી ગઈ?" નેહા પાસે શબ્દ ન હતા. નીલ હિંમત કરી બોલ્યો, "નેહા આપણા સુખી સંસારને દિપાવવા કાજે આજથી તું નક્કી કર કદીય વાંધા ન જોવા, જો દેખાય તો તેમને સાંધવા. જીવનની મીઠી યાદોંનો ધાગો બનાવી એ સાંધાને થિંગડાં મારવા. જીવનમાં તે નવી ભાત પાડશે. ક્યાંય વાંધાના કાણાં નજરે ન પડતાં સંધાઈને જીવનને જીવવા માટે સરળ બનાવશે. જો તું દરેકમાં (વ્યક્તિ યા વસ્તુમાં) વાંધાજ જ્પ્યા કરીશ તો જીવતરને જીર્ણ થતાં વાર નહીં લાગે."
Mr.jayrajsinhji