"કોઈ એકાદ અંતિમ શ્વાસની રાહમાં..."
એ દિવસે -
લાગણીઓ ઘવાઈ હતી,
અનહદ.
કોઈ ઉંહકાર નો'તો,
કોઈ ચિત્કાર નો'તો,
હવામાં ગૂંજી ઉઠે એવો આર્તનાદ નો'તો.
પણ દર્દ હતું.
અનહદ હતું.
બે-હદ હતું.
આંખોમાં હતું.
મૌનમાં હતું.
લંબાવવા ઈચ્છી રહેલા પણ
ઉઠી ન રહેલા હાથમાં હતું.
એક એક પગલું ઉઠાવવું મુશ્કેલ હતું,
એ પગમાં હતું.
પણ તું ન દેખાયું ને..!!
ક્ષણ છૂટી રહી હતી.
અને છૂટતી એ ક્ષણમાં
નજાણે શું શું છૂટી રહ્યું હતું.
કાયમ માટે.
પકડી શકાય સંબંધોને, લાગણીઓને, મૌનને,
સમયને અને ક્ષણને,
એ બધી જ સંભાવનાઓ હતી.
પણ ન કોઈ જ સંભાવનાઓ હકીકત ન બની.
એક પડઘો
હૃદયના ઊંડાણથી ઉઠ્યો,
પહાડોની કંદરાઓમાં ગૂંજવા માટે,
સામે પડઘાઈને - ક્યાંક અથડાઈને
પાછો ફરે એના માટે.
ન ફર્યો.
સમાઈ ગયો,
અનંત ક્ષિતિજમાં.
ત્યાર પછી પણ
લાગણીઓ જીવતી હતી.
ઘણું બધું રક્ત જેવું કાંઇક વહી ગયું હતું.
છતાંય જીવતી હતી.
શ્વાસો ચાલી રહ્યા હતા,
એટલે જીવતી હતી.
મૂર્છિત થઈને કોઈ સંજીવનીની રાહમાં.
'વેન્ટિલેટર' ઉપર,
ફેફસાઓમાં ધકેલાતી હવાઓના સહારે,
અનિશ્ચિત ભવિષ્યની સાથે
કોઈ એકાદ અંતિમ શ્વાસની રાહમાં..