પિતા કદી મરતા નથી, પિતા હંમેશા સંતાનોમાં દેખાય.
પિતાના હેતના મૂલ્ય કદી ચૂકવ્યા ના ચૂકવાય.
એકલા હાથે આખો દિવસ તનતોડ મહેનત કરતા
છતાં સાંજે ઘોડો થઈ પ્રેમથી અમને રમાડતા
એ બચપણને યાદ કરીને આંખો ભીની થાય
અમને આભમાં ઉંડાડવા ધૂળમાં બાપુ તમે રઝળતા
અડધું ખાતા, અડધું સૂતા, ચિંતાનો ડુંગર લઈ ફરતા
સંતાનો માટે તમે જે વેઠયું, કદી ના વિસરાય
પ્રેમના મીઠાં ઝરણાં સામે દુનિયાના સૌ દરિયા ખારાં,
તમે એવા ઓઠા, અમે પણ તમ વિણ સાવ નોંધારા,
સદા આશીર્વાદ આપતા હાથ હજી દેખાય.
આંગળી પકડી પાપા પગલી શીખવી દે જે એ આંગણમાં
હાથ ઝાલીને સંતાનોના છોડો એને ઘરડાઘરમાં
પાપા પગલી શીખવી એના હાથને કેમ કપાય.
ભૂલ થઈ જો હોય તો બાપ, આજે તમારી માંગુ માફી,
નથી બનાવ્યું સ્મારક તો એ શ્વાસેશ્વાસમાં છો પિતાજી,
તમ અજવાળું હજી અમારે મારગડે રેલાય,
પિતા કદી મરતા નથી, પિતા હંમેશા સંતાનોમાં દેખાય.
અજ્ઞાત