તરહી શેર:
યાદનાં ઝખ્મોથી હૈયું તો ઉજરડાતું હશે,
ને સ્મરણ કોઇ ઘરેણાં જેમ સચવાતું હશે.
રચના.:
યાદની મૌસમ હશે'ને દિલ પણ ભીંજાતું હશે,
એ જ રીતે વાટ તારી જોઇ હરખાતું હશે.
સાવ ભોળું,સાવ ઋજુ એક હૈયું બાપનું,
દીકરી વિદાય વેળા એ ય કરમાતું હશે.
જીવશું સાથે કહીને વાત વિસરી તું ગયો,
તે છતાં મનમાં અમારું નામ ઘુંટાંતું હશે.
આમ તો કરતા રહ્યા કાયમ ગણતરી પ્રેમની,
બાદબાકી હું કરું તો મન કેમ મુંઝાતું હશે.
હા કહો કે ના કહો,લ્યો ફેર અમને શું પડે,
બસ ગમો છો એટલી વાતે'ય જીવાતું હશે.
ચાંદ,તારા,રાત ને આ વાદળો આપું તને,
આટલી પુંજી થકી પણ આયખું જાતું હશે.
ડૉ. અયના ત્રિવેદી
અયુ