મોરપીંછું ગઝલ - ગાલગાગા ^૩
વાંસના વનમાં પડેલું મોરપીંછું,
ને પછી ધણમાં ભળેલું મોરપીંછું.
દાણલીલા,રાસલીલા માં ક્ષણેક્ષણ,
ગોપીઓ સાથે ચગેલું મોરપીંછું.
ગોરજે પણ રજકણોની ડમરીઓ માં,
હાથતાળી દઈ છકેલું મોરપીંછું.
લઇ કટોરો ઝેર મીરાં પી ગઈ એ -
દૃશ્ય દેખી થરથરેલું મોરપીંછું.
છોડતાં ગોકુળ વૃંદાવન અને વ્રજ,
શ્યામ શિરેથી ખરેલું મોરપીંછું.
એકલી દ્રુસકે ચડેલી રાધિકા ના,
આંસુમાં તરતું રહેલું મોરપીંછું.
રાધિકાએ રોમ રોમ ત્રોફી લીધેલું,
કૃષ્ણ પ્યારું પ્રીત ઘેલું મોરપીંછું.
પુષ્પા મહેતા (પારેખ)