ખુશી કેટલી દુશ્મનોને મળે છે?
તમારી કથામાં મને સાંકળે છે.
કરું તો કરું વાત કેમે તમારી ?
હવા કાન દઈને બધું સાંભળે છે.
નથી સ્વપ્ન મારા થયા કે થવાના,
બધા જેમ એ પણ મજેથી છળે છે.
મને જોઈ વળતો તમારી ગલીમાં,
તમારા તરફ કાં નજર સૌ વળે છે?
બચાવી રહ્યો છે મને માત્ર ઈશ્વર,
નહીં તો સતત શીશ ખંજર તળે છે.
મને સાંત્વના દઈ હવે ના સતાવો,
વળે સ્હેજ ટાઢક તો જખ્મો કળે છે.
નથી ‘બાબુ’ અમથી જ રાતી-ગુલાબી,
હૃદયની ગલીથી ગઝલ નીકળે છે
-બી.કે.રાઠોડ ‘બાબુ’