ચારે તરફ તરહી ગઝલ
*ઝાંઝવાં છે ઝાંઝવાં ચારે તરફ,
કાફલા છે પ્યાસના ચારે તરફ.
શક્યતાનો વીરડો ગાળી જુઓ,
જળ તણી છે ધારણા ચારે તરફ.
રાતના અંધારને ઊલેચવા,
ઝળહળે છે તારલા ચારે તરફ.
એક મૂરત સ્વપ્નની કંડારવા,
ટકટકે છે ટાંકણાં ચારે તરફ.
ઘેન નસનસમાં હવે લીલાશનું,
ફરફરે છે પાંદડાં ચારે તરફ
દ્વાર પર કોનાં ટકોરાં આ પડ્યાં?
ઊઘડ્યાં છે બારણાં ચારે તરફ.
યાદનો વરસાદ "સ્વપ્નિલ"દિલ મહીં,
ઝરમરે છે વાદળાં ચારે તરફ.
તનસુખ શાહ.
"સ્વપ્નિલ"
*તરહી પંક્તિ.