શોધી જુઓ કદાચ તો નક્કર મળી શકે.
સાચા સવાલના બધા ઉત્તર મળી શકે.
એને નીચોવવાની પણ જરૂરત નહીં પડે ,
ફૂલો કને જશો અને અત્તર મળી શકે.
ફળ , ફૂલ , છાંયડા , દવા બદલેય ઝાડને ,
ઉપકારમાં જનમોજનમ પથ્થર મળી શકે.
શોધ્યા ન કર બહાર તું સુખને અહીં તહીં ,
જેની તલાશ છે સદા ભીતર મળી શકે.
છે હાજરાહજૂર પરચા પણ ઘણા બધા ,
કોઈ ફકીરના રૂપેય ઈશ્વર મળી શકે.
સૂઝે નહીં લગીર તો પાછા ફરો નહીં ,
આગળ જતાય માર્ગ પણ સધ્ધર મળી શકે.
- વિસ્મય