ઘણીવાર સ્વપ્નો ય ખોવા પડે છે;
સંજોગો સમયના ય જોવા પડે છે.
સભામાં ઘણી થાય છે વાહવાહી;
પછી એકલા આંસુ લ્હોવા પડે છે.
નથી કોઈ કરતું મદદ એટલી પણ;
અહીં દુઃખ જાતે જ રોવા પડે છે.
ભલે હોય ગંગા નજરની સમક્ષ પણ;
બધા પાપ જાતે જ ધોવા પડે છે.
નહીં તો બધા વેરવિખેર થાતાં;
લઈ નામ ઈશનું પરોવા પડે છે.
ડૉ. મુકેશ જોષી