દિલ કી આવાઝ ભી સુન...
જીવનમાં એકાદ સંબંધ એવો હોવો જોઈએ જેને કદી નિભાવવો ન પડે. જેમાં સંબંધના નામે બંધન ન હોય. પૂર્ણ આઝાદી હોય,સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકાય. એને ન તો દુનિયાદારી સાથે લેવાદેવા હોય, કે ન તો એને સમાજનાં વાડા નડતાં હોય. બસ એતો લાગણીનાં તાંતણે નભી જતો હોય. ગમે એટલી વાતો કરી શકીએ કે ગમે એટલો ગુસ્સો. કંઈ જ ન કહીએ છતાં બધું જ સમજી લે! હું તો કહું કે એ સંબંધ એટલો નિખાલસ હોવો જોઈએ કે જયાં હ્દય નીચોવી શકાય. એમાં સ્ત્રી-પુરુષ, ધર્મ, જાતિ, ઉંમર વગેરેનું કોઈ જ મહત્વ ન હોય. આપણું જ ખોવાયેલું એકાદ અંગ પાછું મળ્યું હોય એવી લાગણી થાય. એવો સંબંધ જોરદાર હોય છે. ખબર જ છે કે આપણાં જ છે એમાં કદી સંદેહ ન હોય. અને આવા સંબંધોનો સંદર્ભ સંવાદો દ્વારા ન અપાય કે ન તો મપાય આતો સંવેદના જ છે. એને તો ફક્ત અનુભવાય.
એકબીજા સાથે વાતો કર્યા વગર મહિનાઓ પસાર થઈ જાય, મેસેજનો સમયસર જવાબ પણ ન અપાય, ખરેખર જરૂર હોય ત્યારે જ એ વ્યક્તિ આપણી પાસે હાજર ન હોય એવું પણ બને, આવા સમયે ગુસ્સો પણ આવે આમ છતાં એને મળતાંની સાથે જ બધી જ ફરિયાદ ભૂલી જવાય. આખાં દિવસનો કે વર્ષોનો થાક જયાં એક પળમાં ઉતરી જાય એવો વિસામો એજ સાચો સંબંધ. જયારે પણ મળીએ ત્યારે એ હાથ પસારીને જ ઊભા હશે એની જાત કરતાં વધુ ખાતરી હોય. એવો પ્રેમ જે કોઈ શબ્દોનો મોહતાજ ન હોય. આવો જ પવિત્ર, નિસ્વાર્થ પ્રેમ લેખક શ્રી જીતશે દોગાંના "ધ રામબાઈ" પુસ્તકમાં જોવા, જાણવાં અને માણવા મળે છે.
અમુક સંબંધોને નામ આપવાની શી જરૂર હોય!? કૃષ્ણ-કૃષ્ણા, રામ- ભરત,સીતા- ત્રિજટા,કર્ણ અને દુર્યોધન કે પછી આવો સંબંધ પતિ પત્નીનો પણ હોય શકે. સ્ત્રી- પુરુષની પવિત્ર મિત્રતાનો પણ હોય શકે. આપણે સંબંધને એક જ નજરથી જોઈએ છીએ. મને અહીં ઓશો યાદ આવે છે. એ કહેતાં કે, "આપણે એ જોઈએ છીએ જે આપણે છીએ. આપણે આપણાં સિવાય બીજું કંઈ જોઈ શકતાં જ નથી." પ્રેમ તો જેટલો ફેલાય એટલો વધે, જેટલો આપો એટલો વધે. એ પ્રેમ પછી કોઈ પણ જીવ માટે હોય શકે!
પુરુષ જયારે એક સ્ત્રીમાં પોતાની પ્રેમિકા, પત્ની, મિત્ર,દિકરી, માં, બધું જ જોઈ શકતો હોય ત્યારે એ સ્ત્રી પુરુષના સંબંધ ને શું નામ આપશો!? એ જ રીતે એક સ્ત્રી પુરુષને પોતાની જાતને સોંપી સુરક્ષાનો એહસાસ કરી શકતી હોય તો એ બંધન વિનાનો સંબંધ પવિત્ર જ હોવાનો! મનુભાઇ પંચોળીના શબ્દોમાં કહું તો, " કોઈ પણ બે સજીવ પદાર્થો મળે ત્યારે મિલન પછીનું તેનું સ્વરૂપ બદલાયા વિના રહેતું નથી. મિલન એટલે જ આદાન પ્રદાન." જરૂર છે તો ફક્ત આપણે આપણાં દિલની વાત સાંભળવાની. આપણું જ અંગ શોધવાની.
આ મતલબી દુનિયામાં કોઈ એક ખૂણો એવો હોવો જોઈએ જયાં ફક્ત અને ફક્ત તમે તમારી જાતને મળી શકો, ઈચ્છા મુજબ જીવી શકો. અંગત વાતોને અવગણ્યા વિના કે અચકાયા વિના અવગત કરી શકો. એને માણી શકો. ભલે, આપણી અને આપણા પ્રિયજનો વચ્ચે માઈલોનું અંતર હોય છતાં આ મીઠો મધુરો સંબંધ જીવનમાં અત્તરનું પૂમડૂ સમાન હોય છે! કવિ શ્રી હિમલ પંડ્યા એમની એક કવિતામાં આવી જ એક ખૂબ મઝાની વાત કહે છે કે,
"એક એવું જણ જગતમાં ક્યાંક હોવું જોઈએ
જ્યાં બિડેલી આંખમાં સપનું થઈ ખુલી શકો!"
- કિંજલ દિપેશ પંડ્યા"કુંજદીપ"