ફરી આજે પવન તો મરજી પોતાની ચલાવે છે,
ભરેલી વાદળીને એ ઇશારા પર નચાવે છે.
જે જાણીતા છે એ જોતાં નથી સામું અમારી ને,
અજાણ્યા કાળજી લઈ ખૂબ હમદર્દી બતાવે છે.
વિરોધાર્થી, સમાનાર્થીની વચ્ચે જીવે છે આ જગ,
બહુ સમજી વિચારી જોડી કુદરત પણ બનાવે છે.
નજરઅંદાજ કરવું કોઈને ક્યાં હોય છે સહેલું,
નરી આંખે સહેલી વેદના કાયમ સતાવે છે.
નથી લઈ જઈ શકાતી સાથે કોઈ વસ્તુ ગમતીલી,
ખબર નહિ કેમ ઈશ્વર આટલી મહેનત કરાવે છે!