"ભાર"
-@nugami.
વ્યક્તિના દેહમાં મગજ નો ભાર ૧૨૦૦ થી ૧૪૦૦ ગ્રામ નો હોય છે.
પણ વ્યક્તિ એના કરતાં પણ વધારે ભાર લઈ ને મગજમાં ફરે છે.અથવા કોઈ વ્યક્તિ હળવા ફૂલ જેવું મગજ રાખે છે.
ભાર મગજ નો લાગતો નથી.પણ વ્યક્તિ એ કરેલા કર્મ નો હોય છે એના મનમાં રહેલ ડરનો હોય છે. રાત્રીના સુખ ની નીંદર ચાર જણ જ કરે છે,એક બાળક,બીજું સખત પરિશ્રમ કરનાર વ્યક્તિ, ત્રીજું હંમેશા બીજા ને મદદ કરવા પડખે ઊભો રહેનાર અને ચોથું બીજા નું ભલું ઈચ્છનાર.
હાલના સમયમાં જોઈએ તો ,ઊંઘ પણ આ મૃત્યુના તાંડવ ને જોઈ ને ચિંતાતુર છે....
ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સ્વજન ગુમાવી રહ્યા નું દુઃખ છે,માણસાઈ મરી પરવારી રહી છે.વ્યક્તિ વ્યક્તિ થી દુર થતો જાય છે. મન મસ્તિષ્ક બધે જ ચિંતાએ ઘર કરી લીધું છે.શું થશે? આજે શું થશે? કાલે શું થશે? સવારે ઉઠશું તો શું ફરી કોઈ એ જીવ ગુમાવ્યા ના સમાચાર સાંભળવા મળશે? હે ભગવાન,સવારે ઉઠતાં ની સાથે કોઈ એવા ખરાબ સમાચાર ના મળે કે મન અને હૃદય પાણી પાણી થઇ જાય.રોજ એવી ઈશ્વર ને પ્રાર્થના કરીએ છીએ.
ઈશ્વર ક્યારેક સાંભળે છે,તો ક્યારેક અવગણી પણ લે છે.
બધું એક બાજુ રહ્યું,પણ આજે આવી મહામારી માં પણ આપણે શ્વાસ લઈએ છીએ એ માટે ઈશ્વર નો પાડ છે ,એ માટે હર ક્ષણે પાડ માનવો જોઈએ.જે મૃત્યુ પામ્યા છે એ પાછા નથી આવવાના.પણ જે પથારી વશ છે.જેને મદદ ની જરૂર છે, આપણી આસપાસ એવા ઘણા જરૂરિયાત મંદ લોકો છે,એમના માટે આપણે થોડા શ્વાસ વાપરવા જોઈએ જે આપણા દેહમાં હાલ ચાલી રહ્યા છે.
મૃત્યુ તો નક્કી જ છે,પણ એ ક્યારે આવશે એ નક્કી નથી.તો એ આવે એ પહેલાં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી અનુસાર કોઈ ને સાંત્વના મળે એવા શબ્દો બોલી ને,કોઈ ના મોં પર સ્મિત આવે એવા ટુચકા બોલી ને,કોઈ નું મન પ્રફુલ્લિત થાય એવા ગીત ગઝલ સંભળાવી ને,કોઈ એવી વાર્તા ,નવલકથા વાંચી ને,કોઈ આર્થિક સદ્ધર હોય તો આર્થિક રીતે મદદ કરીને, કોઈ વ્યક્તિના મન ના ભાર ને હળવો કરી શકતા હોઈએ અને એ આપણા હાથમાં હોય તો જરૂરથી કરવું.હાલ ના સમયે તો ઈન્ટરનેટ ના માધ્યમ થી ઘણી એવી સુવિધા છે જ્યાં ઘરે બેઠા પણ મદદ કરી શકાય છે.
વ્યક્તિ દેહ થી મૃત્યુ પછી પામે છે ,પહેલાં એ મન થી હારે છે.
મન થી હારેલી વ્યક્તિ ને કોઈ સોનાના દાગીના,કોઈ કિંમતીકપડાં ,કોઈ આલીશાન ઘર સુખ નથી આપી શકતું.
એના મન નાં ભાર ને ઓછો કરવા તેની સાથે રહેલ વ્યક્તિ ના સાથ સહકાર ની, એની સાંત્વના ની, એના પડખે ઊભા રહી ને હિંમત આપનાર ની જરૂર હોય છે.
ધરતી મા પણ વર્ષોથી આપણો ભાર ઊંચકે છે,સારા નરસા બધા ને જ પોષે છે.
તો શું આપણે પણ , આ મળેલ શ્વાસ માટે કુદરતનો આભાર માની ને શક્ય હોય ત્યાં કોઈ ના મન નો ભાર હળવો કરીને આપણા શ્વાસ બીજા નાં જીવન માટે થોડા ખર્ચ ના કરી શકીએ???
-@nugami.