રેલાય છે મધુર સૂર જ્યારે
છેડાય છે સંગીતનાં તાલ,
સંભળાય છે કાનોને એક
ખૂબ જ મધુર સંગીત!!!
ડોલે છે મસ્તક અને ઝુમે છે
હૈયું, સાંભળીને એ સંગીતનાં સૂર!
વધે છે છોડ લતાઓ સાંભળીને
સંગીતનાં મધુર સૂર,
ઝુમે છે ડાળીઓ સાંભળીને
આ મધુર સૂર!!!
થાય છે આનંદિત આ
પશુ પક્ષીઓ સાંભળીને
સંગીતનાં સૂર, ભલે કહેવાતા
મૂંગા જીવ પણ સમજે છે
સંગીત અને પ્રેમની ભાષા!
સંભળાતો હતો મધુર સ્વર
પ્રાણીઓનાં અવાજનો અને
પક્ષીઓનાં કલરવનો, ગૂંજી
ઊઠતી વનરાજી જ્યારે
પડતી આહલાદક સવાર!
ઝૂમી ઉઠતાં વૃક્ષો અને વેલીઓ,
સાંભળતાં જ્યારે પક્ષીઓનો
મધુર કલરવ!!!
આવતાં દિવસભર અવાજો
વિવિધ પશુઓનાં લાગતું
જીવંત આખુંય વન!!!
અચાનક.............
ધાય ધાય ધાય.....
સંભળાયો અવાજ ગોળીઓનો,
અને વીંધાયો એ વનરાજ,
શરુ થયાં કલ્પાંતો અને મચ્યો
હાહાકાર!!!
થોડી વાર થઈ ત્યાં તો ફરી
સંભળાયું એ જ.....
ધાય ધાય ધાય.....
જોયું તો હણાયો ગજરાજ!
પોકારી ઉઠ્યું આખુંય વન તોબા
સાંભળીને પ્રાણીઓનો કલ્પાંત!!!
રે, ક્રૂર માનવી!!!
આ શું કર્યું તેં?
થોડા રૂપિયા ખાતર લીધો
જીવ એ અબોલનો!!!
કેવી રીતે સંભળાશે હવે,
એ મધુર સંગીત, જે સંભળાતું
દરરોજ!!!
કોણ રેલવશે એ કુદરતી
સંગીત જે ખોવાયું ગોળીઓનાં
અવાજમાં???
ક્યારે સમજશે આ માનવી
કે નથી આ ધરતી એની માત્ર?
છે પ્રાણીઓ ને પક્ષીઓ પણ
હકદાર એનાં, જે બચાવે છે
આ કુદરતને!!!
- સ્નેહલ જાની