ઈશ-મિતાનાં સંવાદો 'રક્તવારિ'
--હવે તુૃં કેમ છે ઈશ?
--તને નથી લાગતું તે પૂછવામાં બહુ મોડું કર્યું છે મિતા !
--હા, મોડું તો થયું છે.
પણ મોડે મોડેય પૂછ્યું તો ખરું ને !
--શું કામ પણ ?
શું કામ પૂછવું છે તારે કશું પણ?
તુૃં પોતે જ બીમાર કરે ને પોતે જ હાલચાલ પૂછે !
કેટલી જાલિમ છે તુૃં !
--આટલો ગુસ્સો ન કર પ્લીઝ.
પહેલાં તુૃં એકદમ ઠીક થઈ જા.
પછી વઢી લેજે જેટલું વઢવું હોય એટલું.
--જો, મારે તને વઢવું પણ નથી અને કંઈ કહેવું પણ નથી.
તુૃં જતી રહે બસ અહીંથી.
--સારું.
--ઊભી રહે.
જતાં પહેલાં એક કામ કરતી જા.
--બોલ.
--મને તારા હૃદયમાંથી બહાર ફેંકતી જા.
-- ... ... ...
--મને ગૂંગળામણ થાય છે હવે ત્યાં મિતા.
તારાં મેળા જેવા દિલમાં હું રહી શકું એમ નથી હવે.
--તુૃં સમજી લે ને કે મેં તને મુક્ત કર્યો.
--નથી સમજી શકતો.
જ્યાં સુધી તારા શબ્દમાંથી તુૃં મને મુક્ત નહીં કરે હું નહીં માનું કે તેં મને મુક્ત કર્યો.
--એ મારા હાથમાં નથી ઈશ.
--તો શક્ય કર એને.
--કેવી રીતે?
હું માનું છું કે મેં તને દાખલ કરીને દુઃખી કર્યો છે. અપમાનિત કર્યો છે.
સામે સાચું તો એય છે કે મેં તનેય પ્રેમ તો કર્યો છે.
નર્યાં વિશ્વમાં તુૃં મુક્ત જ છે.
પણ જ્યાં મેં તને સ્થાપ્યો છે ત્યાંથી તને મુક્ત કરવાની અનુમતિ તો સ્વયં મનેય નથી ઈશ.
એટલું કરી શકું, તારા નર્યાં વિશ્વમાં મારું મૌન દાખલ કરી શકું.
પણ શબ્દમાંથી તને ખેંચી કાઢવો એટલે ટેરવેથી ટીપે ટીપે રક્તનો દરિયો કરવો.
છતાં, તુૃં એક વાર કહી દે.
કદાચ ધરી શકું એ રક્તવારિ, તારા ચરણમાં...