કવિ શ્રી શ્યામ સાધુની પંક્તિ પરથી તરહી - મુસલસલ ગઝલ
આંખોમાં તારી પણ, પછી સ્થાયી ઝરણ હતું
*મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?*
અધવચ્ચે છોડીને ગયો છું જાણ છે મને
ઢસડાયો છું, ક્યાં જાતે મૂક્યું મેં ચરણ હતું!
આગળ વધ્યો તો હાથ છતાં ક્યાં અડી શક્યો?!
વચ્ચે ત્વચા 'ને સ્પર્શની એક આવરણ હતું
મારા ગયા પછી તને એ ખૂબ ચાહશે
વસિયતમાં તારે નામ લખ્યું જે સ્મરણ હતું
ઈચ્છા તો થાય સ્વપ્નમાં મળવાની રોજ રોજ
પણ આંખના નસીબમાં બસ જાગરણ હતું
અંજના ભાવસાર 'અંજુ'