ઈશ-મિતાનાં સંવાદો
--એટલે એનો મતલબ એમ નહીં હં, કે તારે સાવ આમ મૌન થઈ જવાનું ઈશ !
--તો શું કરવાનું? આખા જગતમાં તારી અને મારી અતિકષ્ટદાયક કથનીનાં હોર્ડિંગ્સ લગાવડાવું?
કે હું પોતે બૂમો પાડી પાડીને લોકોને જણાવું કે તેં શું કર્યું છે?
ના ના, તુૃં કહે ખાલી.
સમાચારમાં છપાવું?
આકાશવાણી પર રીલે કરાવું?
કે પછી...
--જે કરવું હોય તે કર.
બસ, ચૂપ ન રહે.
--કેમ ? કેમ ચૂપ ન રહું ?
મને ખબર છે કે...
--કે તારું મૌન હું સહી શકું એમ નથી.
અરે ! માણસ રીસાય તો બોલે, વઢે, ગુસ્સો કરે.
લાગ આવે એકાદ ચોડી પણ દે.
પણ તુૃં તો !...
--એવી જ સજા કરી છે જેનાથી તુૃં દુભાઈ જાય છે, નહીં !
--અતિશય !
તુૃં મૌન રહે છે ત્યારે કેવું લાગે છે ખબર છે તને?
જાણે ગળામાં કોઈ કાંટાળું ફૂલ ફસાઈ ગયું હોય...
અને તુૃં એકીટશે તાકતો મારું ગળું એવી રીતે દાબતો હોય કે ગળામાંની નળીઓ અને એ ફૂલ બેય ઘવાતાં હોય...
અને લોહીથી અંજાતી મારી આંખોને જોઈને તારી આંખોમાં ઊતરી આવતી ઝાંખપ એ લોહીને ઝરવા પણ ન દે.
આટલી શી રીતે દુભવી શકે તુૃં મને ઈશ ?
--એ જ તો હું કહું છું મિતા.
શી રીતે તને આટલી દુભવી શકું હું?
શી રીતે એટલો રીસાઈ શકું?
શી રીતે તને સજા આપી શકું હું?
-- ... ... ...
--બોલને મિતા !
તને લાગે છે, હું રીસાયો છું?
મારું મૌન આ કારણે હોઈ શકે ?
બોલ...
અમિરામ..🌺