મને હતું કે કંઈ બાકી નથી
બધું જ કહી દીધું'તું મેં
બધી ક્ષણો કોતરાઈ ગઈ હતી
છતાંય નીકળી આવી છે, જો
ભીંસાતી અઢી ક્ષણોની વચ્ચેથી
ફૂટી નીકળી નવી જ અર્ધક્ષણ
બિલકુલ તારી ચોખ્ખી પીઠ જેવી
જ્યાં એક ઉઝરડો પડી ગયો'તો ભૂલથી
સાચવીને કંડારેલ મારા નખથી !
હજીય એનો ડાઘ તમતમે છે
તારી પીઠથી લઈ મારાં ટેરવાં સુધીનો
એ ઉઝરડો,
એ ડાઘ લખવાનો બાકી છે
એટલે કે હજી કંઈક બાકી તો છે...
--અનુ