રાધા-કૃષ્ણ વિના બીજું
બોલમાં બોલમાં બોલમાં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા રે.
સાકર શેરડીનો સ્વાદ તજીને
કડવો તે લીમડો ઘોળ મા રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા રે.
ચાંદા સૂરજનું તેજ તજીને
આગિયા સંગાથે પ્રીત જોડ મા રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા રે.
હીરા માણેક ઝવેર તજીને
કથીર સંગાથે મણી તોળ મા રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા રે.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
શરીર આપ્યું સમતોલમાં રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા રે.