મન કહે તે કરું કે દિલ કહે તે?
આંખોને ગમે તે જોઉં કે
દુનિયા જે બતાવે તે?
કાનને ગમે તે સાંભળું
કે દુનિયા સંભળાવે તે?
લોકો શું કહેશે એ વિચારીને
કામ કરું કે મને જે યોગ્ય
લાગે તે કામ કરું?
લોકોની પસંદ મુજબ કામ કરું કે મને
કામ કર્યાનો સંતોષ મળે એવી રીતે કરું?
મિત્રો સાથે જીવન માણું કે સમાજ શું
કહેશે એ વિચારીને એકલી જીવું?
લાગણીહીન માનવીને પશુ કહું કે
વફાદાર પશુને માન આપું?
કર્મોના ફળની ચિંતા વગર કામ કરું
કે કરેલ કામનું યોગ્ય વળતર મળે એવી
અપેક્ષા રાખું?
શું કરવું અને શું કરવું એ જ
નથી સમજાતું આ દુનિયામાં!!!
કોઈ કહે આ સાચું અને કોઈ
કહે પેલું સાચું!
કોઈને લાગીએ સારા અને કોઈને
દુશ્મનથીએ ખરાબ!
અનુભવે મન એ જ દ્વિધા ---
સમજાતું નથી આ શરીર માટે
લેવાતાં શ્વાસ મારા, ખોરાક મારો,
કાળજી મારી --- તો નાહકને ચિંતા
આ ભારી દુનિયાની.
સતત ચાલે છે અંતરયુદ્ધ આ મન અને હ્રદયનું,
ક્યારેક મન હારે છે તો ક્યારેક હ્રદય!
ભોગવું છું એમની હારજીત એકલી,
લડતાં લડતાં આ અંતરયુદ્ધ!
- સ્નેહલ જાની