મહાભારતમાં વપરાયેલા વિવિધ શક્તિશાળી અસ્ત્રો શસ્ત્રોને આપણે મોર્ડન ટેકનોલોજી મુજબ સામૂહિક વિનાશ માટેના શસ્ત્રોની (WMD - Weapons of Mass Destruction) કેટેગરીમાં મૂકી શકીએ. મોટેભાગે તેમાં મંત્રિકા ટેકનોલોજી એટલે કે મંત્ર વડે ચાલી શકતા શસ્ત્રો વપરાતાં હતાં. આ મંત્ર વડે ચાલતાં શસ્ત્રો વડે ભયંકર નાશ કરવાની વાત ગળે ઉતારવી થોડી મુશ્કેલ લાગે. ચાલો આપણે વિજ્ઞાન વડે તેને સમજીએ. આ મંત્રો એટલે આધુનિક ભાષામાં પાસવર્ડ. આવા દિવ્યાસ્ત્રોનો ઉપયોગ મંત્રોના યોગ્ય ઉચ્ચારણ દ્વારા જ કરી શકાય. આપણે જાણીએ છીએ કે અવાજ એટલે કે ધ્વનિ પણ ઊર્જાનું એક સ્વરૂપ છે. આમ ચોક્કસ ઉચ્ચારણ દ્વારા ચોક્કસ ફ્રિકવન્સી ધરાવતો અવાજ ઉત્પન્ન કરીને યોગ્ય દિવ્યાસ્ત્ર ને એક્ટિવેટ કરવા માટેની ટેકનોલોજી એ જમાનામાં હતી. મિકેનિકલી કે પછી કોમ્પ્યુટર વડે અસ્ત્રો તો કોઈ પણ વાપરી શકે. જો તે કોઈ દુષ્ટ વ્યક્તિના હાથમાં આવી જાય તો તે નાસમજાઈમાં ઘણું બધું નુકશાન કરી શકે. પરંતુ મંત્રો વડે એક્ટિવેટ થઈ શકતાં અસ્ત્રો કોઈ દુષ્ટ વ્યક્તિના હાથમાં આવી જાય તો પણ તેનો તે ઉપયોગ કરી શકતું નથી.
..ઓગણીસમી સદીના અંત સુધી આધુનિક વિજ્ઞાનને ન્યુક્લિયર રેડીએશન વિશે ખ્યાલ જ ન હતો. ઇ.સ. ૧૮૯૬ માં હેન્રી બેક્વેરલ નામના વૈજ્ઞાનિકને સૌ પ્રથમ વખત રેડિયો એક્ટિવીટીનો ખ્યાલ આવ્યો. ત્યાં સુધી આપણે મહાભારતમાં વપરાયેલ અસ્ત્રોને કલ્પના માત્ર માનતા હતા. ન્યુક્લિયર રેડીએશનની શોધ પછી આપણે મહાભારતમાં કરવામાં આવેલા વર્ણનોને ગંભીરતા પૂર્વક લેવાનું શરૂ કર્યું. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં પણ ઘણા બધાં એવા વર્ણનો જોવા મળે છે જેને અત્યાર સુધી આપણે ફકત ચમત્કાર કે કલ્પના જ માનતા હતા. પણ હવે જેમ જેમ મોર્ડન ટેકનોલોજી વિકસતી જાય છે તેમ તેમ આપણને આ વર્ણનો પાછળનો ભેદ મળતો જાય છે.
આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હવે આપણને અંદાજ આવ્યો છે કે મહાભારકાળમાં ન્યુક્લિયર વેપન્સોનો ઉપયોગ થયો હતો. આ વાતના પ્રૂફ આપણને દિલ્હી યુનિવર્સિટીમાં ફિઝિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. એસ. કે. ત્રીખાના રિસર્ચ પેપરમાંથી મળે છે. તેમણે આ રિસર્ચ પેપર ૧૧ ઑક્ટોબર થી 15 ઑક્ટોબર ૧૯૯૫માં આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના સિલ્વર જ્યુબલી કાર્યક્રમમાં રજૂ કર્યો હતો.
તેમના કહેવા મુજબ મહાભારતનું યુદ્ધ જ્યાં થયું હતું એવા કુરુક્ષેત્રના મેદાનમાં શોધખોળ કરતાં કેટલાક એવા પ્રદેશો મળ્યા જ્યાં સામાન્ય પ્રદેશો કરતાં અઢી (૨.૫) ગણી વધારે રેડિયો એક્ટિવીટી જોવા મળી હતી. હવે વિચાર કરો કે મહાભારતના યુધ્ધના અંદાજીત 5000 વર્ષ પછી પણ જો અઢી ગણી વધારે રેડિયો એક્ટિવીટી જોવા મળતી હોય તો એ સમયગાળામાં કેટલા ભયંકર શસ્ત્રો વપરાયા હશે.