ગુરુજીના નામની હો માળા છે ડોકમાં;
નારાયણ નામની હો માળા છે ડોકમાં.
જુઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં;
અવળું ચલાય નહીં હો, માળા છે ડોકમાં.
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં
ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં;
કોઇને દુભવાય નહીં હો, માળા છે ડોકમાં.
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં
પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં;
પાપને પોષાય નહીં હો, માળા છે ડોકમાં.
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં
સુખમાં છકાય નહીં, દુ:ખમાં રડાય નહીં;
ભક્તિ ભૂલાય નહીં હો, માળા છે ડોકમાં.
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં
બોલ્યું બદલાય નહીં, ટેકને ત્યજાય નહીં;
બહાનું લજવાય નહીં હો, માળા છે ડોકમાં.
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં
ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં;
ભેદ રખાય નહીં હો, માળા છે ડોકમાં.
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં
શ્રી "હરિહરાનંદજી" કહે સત્ય ચુકાય નહીં;
નારાયણ વિસરાય નહીં હો, માળા છે ડોકમાં.
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં