એ તો થાકતો જ નથી જાણે !
મારી છાતીમાં એને છૂપાવવો હોય તો શું કરવું મારે?
એના બંધ હોઠને મલકાવવા હું મલકું તો ખરી, પણ
એની દૃષ્ટિ તો પડે !
એની પીઠ પર જળોની જેમ બાઝી પડવું છે મારે
ને અનુભવવી છે એની નીચી નજરમાં ભરેલી નરી કુમાશ
એ ક્ષણ, જ્યારે એની ભૂજાઓને વીંટળાયેલા મારા હાથ પર
એના ગાલનો સ્પર્શ થશે ને મારી તરફ એ નજર ફેરવશે...
એ એક જ નજરની આરતમાં જીવી રહ્યું છે મારું વર્તમાન
પછી કશું ભવિષ્ય હો કે ન હો
ત્યાં સુધીનું ભવિષ્ય દેજે મને દૈવ !
ચાહે તો બીજી જ પળે...
--નિર્મોહી