# સંબંધો ની મીઠાશ ...
સંબધની મીઠાશ જાળવવામાં નહી, સંબંધ જતો કરવામાં છે !!! કારણ કે, જે સંબંધમાં ઘણું બધું જતું કરવું પડે, એ એક તરફીય સંબંધ કહેવાય, એના કરતા દુર રહો, સ્વસ્થ રહો અને સંબંધનું સ્વાસ્થ્ય પણ જાળવો. આવું એટલે લખવું પડયું કે અમુક કિસ્સામાં એક જ વ્યક્તિ બિચારો સંબંધ સાચવવા માટે જતું કરે અને બીજો એનો ફાયદો ઉઠાવતો હોય !!! હા, ઘર સંસારમાં પણ એક બીજા એ સહન કરી ને તો ક્યારેક કશુ જતું કરીને સંબંધ સાચવવો પડે છે અને એ જરુરી પણ છે. પણ એનો મતલબ એ નથી કે પંચર વાળી ગાડી તમને પાંચ ગામ ફેરવશે. પંચર વાળું વાહન પાંચસો મીટરથી વધારે ફેરવશો તો ટાયર તો જશે જ, પણ ગાડી ને નુકસાન કરતું જશે.
એટલે જીવનની ગાડી સાચવવી હોય, તો પંચર પૂરો અને પંચર વધી જાય, તો ટાયર બદલી નાખો. જો કે, આ ઊદાહરણ પણ દેવા જેવું નથી કારણ કે આજ કાલ ટ્યુબલેસ ટાયર આવી ગયા અને સંબંધો પણ ટ્યુબલેસ થઈ ગયા. અર્થાત, બહાર થી ખબર જ ન પડે કે વ્યક્તિ ના વિચારો માં કેટલા પંચર છે.
એટલા પ્રેમ થી બોલાવશે કે વાત પૂછો માં;
"તું તો આવતો જ નથી", "ઘરે આવવાનું જ છે", "જમ્યા વગર નથી જવાનું" વગેરે વગેરે. અને ઘરે જઈએ, તો કેવો અનુભવ થાય તે તો આપ પણ જાણતા હશો. હા, જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તે અપવાદરુપ છે.
બાકી વાત પૂછો માં સાહેબ,
પાણીના પ્યાલા મોટા, દૂધના પ્યાલા નાના થઈ ગયા,
જમ્યા વગર મોકલે નહી, એવા ઘર ઓછા રહી ગયા ...
- પાર્થેશ નાણાવટી