વ્યંગ કાવ્ય....
છ વાગ્યે ઉઠે મૂઓ ને, બ્રશ થી દાંત લૂછે મૂઓ,
સાત વાગ્યે ચા પીતો ને, છાપા વચ્ચે ઊભો મૂઓ.
આઠ વાગ્યે તન ચોળી ને નાતો, એકાદ દેવને પૂજે મૂઓ.
નવ વાગે ને પછાડે થાળી, જાને મરતો ભૂખે મૂઓ.
દસ વાગ્યે દોડતો જતો, ને ઘરને પળમાં ભુલે મૂઓ.
અગીયાર વાગ્યે મસ્ટર રોલમાં, ખુદને ગીરવે મૂકતો મૂઓ.
બાર વાગ્યે હતો જ કયા, કાગળ કાગળ રૂપે મૂઓ.
એક વાગ્યે બાથરૂમ જઈ, બીડી એક વખત ફૂંકે મૂઓ.
બે વાગ્યે રિસેસ પાડી ને, કાગર નીંદર ડૂબે મૂઓ.
ત્રણ વાગ્યે ચા ચાટી ,એક એક કાગળ ખુદે મૂઓ.
ચાર વાગ્યે ગણતો બગાસા, ઘડિયાળ સામે ઘુમે મૂઓ.
પાંચ વાગ્યે ને ફાઈલ બાંધી, સંગાથી સૌને સુંઘે મૂઓ.
છ વાગે બાઈ બાઈ કરતો, નીકળે મરકતી મૂંછે મૂઓ.
સાત વાગ્યે લઈ બજાર માથે, બસની લાઈનમાં ઝુરે મૂઓ.
આઠ વાગ્યે ઘરના દ્વારે, આખો થાકથી ધ્રુજે મૂઓ.
નવ વાગ્યે એ ખીચડી ખાતો, ને ખર્ચ ઘરનો પૂછે મૂઓ.
દશ વાગ્યે લઈ છીકણી સોપારી, હળવા હિંડોળે ઝુલે મૂઓ.
અગીયાર વાગ્યે આવતી કાલની ચિંતા ઓઢીને ઉંઘે મૂઓ.
છ વાગ્યે ઉઠે મૂઓ ને બ્રશ થી દાંત લૂછે મુઓ.
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏