આ પહાડોની બહાર નીકળીને
મેદાનો તરફ આવું છું ત્યારે
કશીક વિચિત્ર ગંધ
મને ઘેરી વળે છે
મારી અંદર વહેતા ખળખળ
ઝરણાંને કોઈ શબ્દજાળ
વીંટળાઈ વળે છે
એમાં ગુગળાઈ જાઉં છું
મારામાં લહેરાતાં વૃક્ષ,વેલી,ફૂલ
મુરઝાવા માંડે છે
કોઈની નજરોના તાપથી
ખોડીબારું ક્યાંય જડે નહિ
એવો ઘેરાઈ જાઉં છું
કશાક અજગરી ઉત્પાતથી
એટલે કહું છું
રહેવા દો બારાખડી
રહેવા દો આંકડા
રહેવા દો ચોપડા
રહેવા દો ઉધારજમાની જાળ
બસ મને
આ ડુંગરાના ઢોળાવ પર
ક્ષિતિજે ટેકવીને નજરો
પડી રહેવા દો
પડી રહેવા દો
પડી રહેવા દો
મારે સંસ્કૃત નથી થાવું
નવા પહેરણે
નવા ઘોડલે
અસવાર નથી થાવું
આ નભના પૅગડે પગ છે
ને ધરતીના જીન છે
પાતાળે મારો નાગ મને ધરીને ઉભો છે વ્હાલથી એ ઓછું છે કાંઈ ?
- રાજેશ વણકર