" ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. "
ના, કોઇ એવો વિદ્યાર્થી નહીં હોય, જેને આ શબ્દો ભૂલાયા હોય કે પછી આ શબ્દોનો કહેનાર ભૂલાયો હોય ! બધાં જાણે છે કે આ શબ્દો હતા સ્વામી વિવેકાનંદના.
એક સાધારણ માનવની જેમ જન્મીને અસાધારણ જીવન જીવી જનાર નરેન્દ્રનાથ દત્ત કલકત્તાના એક સંપન્ન પરિવારમાં જન્મ્યાં હતા. તેમના પિતા કોલકત્તા હાઈકોર્ટના એટર્ની હતા ને તેમની માતા ધાર્મિક સ્વભાવ વાળા એ ભાગ્યશાળી સ્ત્રી હતા જેમના કૂખેથી આ મહામાનવે જગતમાં પ્રવેશ કર્યો હતો.
" ज़िन्दगी लंबी नहीं बड़ी होनी चाहिए, बाबूमोशाय ! "
ભલે આ એક ફિલ્મનો સંવાદ માત્ર હોય, છતાં આ ઉક્તિને સાર્થક કરી જનાર શ્રી સ્વામીજીના જીવનને આપણે શું કામ યાદ કરવું જોઈએ, એજ એક યક્ષ પ્રશ્ન છે.
ચવાય ગયેલો જવાબ એટલો જ કે, " સ્વામી વિવેકાનંદે યુવાનોને સાચી રાહ ચીંધી હતી. " ...ને આવા જ શબ્દોના સાથીયા આગળ આગળ પુરાયેલા જોવા મળી શકે, મળશે ને મળતાં રહ્યાં છે.
પરંતુ અંગત રીતે માનવું એવું છે કે, મા ભારતીનાં એ
જાયાએ દેશભક્તિ શું હોય, એ જીવી બતાવ્યું હતું..! એણે કહી બતાવ્યું હતું કે, "મારા ભાઈઓ બહેનો" શબ્દોમાં ય એજ તાકાત મળી શકે, જે ભારતવર્ષની "वसुधैव कुटुंबकम्" ની ભાવનામાં છે.
" મને કહેતાં ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું, એ ધર્મે વિશ્વને વિશ્વબંધુત્વ અને સહિષ્ણુતાના પાઠ શીખવ્યા છે. "
આ શબ્દો ધો.10માં સામાજિક વિજ્ઞાન
પાઠ્યપુસ્તકમાંથી પૂછાયેલો બોર્ડ એક્ઝામનો બે ગુણનો એક પ્રશ્ન ન રહી જાય એ માટે, બસ ! એ માટે આપણે તેમનાં જીવનને જાણવું જોઇએ.
કોઈ દરજીએ પૂછેલા પોતાનાં વસ્ત્રો વિષેના સવાલમાં, એમણે કહ્યું હતું કે, " તમારે ત્યાં કપડાંથી કોઈ વ્યક્તિ 'જેન્ટલમેન' તરીકે ઓળખાય છે અને અમે કોઈ વ્યક્તિના ચરિત્ર પરથી એને જેન્ટલમેન કહીએ છીએ. "
ભારતને મા કહી છે, આપણે ! કેમકે, એણે એવો દિકરો દેશને આપ્યો, જેણે રોજે જીવાતી સંઘર્ષોભરી જિંદગીમાં એક ભારતને જોયું, ભારતિય સંસ્કૃતિને જોઈ.
" દરિદ્રનારાયણની સેવા એ જ મારો ધર્મ. " કેહનાર એ મહાપુરુષના જીવનનો સંદેશ શું હોય શકે ? જવાબ એ કે, " શ્રેષ્ઠ વિચારોને વળગી રહો, ચરિત્રને ઓળખ બનાવો અને સમયની કિંમત સમજો. " બની શકે, આ સંદેશ અધૂરો હોય પણ ઉપયોગી જરૂર છે જેથી આપણે તેમના પૂર્ણ જીવન સંદેશને જાણવા ઉત્સુક બનીએ.