એ ગયા એનો મને અફસોસ છે.
એ ફર્યા પાછા ! વધુ અફસોસ છે !
બેવફા તો ક્યાં કહ્યા'તા એમને?
હા, વફામાં ના રહ્યા, અફસોસ છે.
આકરું તો બહુ પડ્યું ઘટના પછી,
યાદ પણ તો બહુ કર્યા, અફસોસ છે.
બારણાં સજ્જડ અમે વાંસી રહ્યાં,
એ ભલે આવી કહે, અફસોસ છે.
ના, ફરીથી સામનો કરવો નથી,
જીવ જાશે એટલો અફસોસ છે.
એ ફરી ઘરમાં પ્રવેશી જો જશે,
અંત મારો ઉંબરે, અફસોસ છે ?
ચા 'અમી' એ હાથની ગમતી હતી,
એ હજીયે 'યાદ' છે, અફસોસ છે...