શું કરું ?
શું કરું ? કોને કહું ? અક્ષરો અકબંધ છે,
તું કહે છે કે, ભવોભવ આપણો સંબંધ છે.
બે જણા વચ્ચે આ અજવાળું શા કામનું ?
કાળું હોય કે ધોળું, શું જાય છે આ ગામનું ?
પ્રેમના પરચૂરણનો ઝિલમિલ પ્રબંધ છે,
તું કહે છે ભવોભવ, આપણો સંબંધ છે.
જરૂર છે એટલાજ શબ્દનો ઉપયોગ કરું,
જમાનાની ઐસી -તૈસી, હવે હું શાને ડરું?
તેં જે વાંચ્યું, એ મારો લખેલો નિબંધ છે,
તું કહે છે કે, ભવોભવ આપણો સંબંધ છે.
જો, આ આંસુ ઝરે, ચાસ પ્રગટે ગાલ પર,
કમાલ છે તાળીઓ પડે,બેસૂરા તાલ પર,
તું નહીં તો કોઈ નહીં, સમય આ અંધ છે,
તું કહે છે કે, ભવોભવ આપણો સંબંધ છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'